આ આધુનિક મહાનગરની નીચે ધબકી રહી છે પ્રાચીન રહસ્યમય દુનિયા…

ઇમેજ સ્રોત,CAVAN/ALAMY
મેક્સિકો સિટીના મેટ્રોપોલિટન ચર્ચથી સાત મીટર નીચે ઊતરતી વખતે મારું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું.
લેટિન અમેરિકાના સૌથી મોટા અને પુરાણા ચર્ચ પૈકીના એક આ ચર્ચની નીચે પ્રાચીન મંદિર દબાયેલું હોવાની ચર્ચા મેં સાંભળી હતી, પણ 1970ના દાયકામાં થયેલી તેની શોધ પછી તેને નિહાળવાનું શક્ય બન્યું ન હતું.
હવે હું તેની નીચેથી મળેલાં પ્રાચીન રહસ્યોને જોવા આવી છું.
સ્પેનિશ વિજેતા હર્નાન કોર્ટેસ એઝ્ટેકની રાજધાની ટેનોચ્ટિલનમાં પ્રવેશ્યાનાં લગભગ 500 વર્ષ પછીના પ્રાચીન મહાનગરના અવશેષો આધુનિક મેક્સિકો સિટીમાં થોડાક મીટર નીચે જ દટાયેલા પડ્યા છે.
સ્પેનના લોકોએ ઈસવીસન 1573માં પોતાની જીતના પ્રતિક સ્વરૂપે પવિત્ર એઝ્ટેક મંદિરોની ઉપર મેટ્રોપોલિટન ચર્ચનું નિર્માણ શરૂ કર્યું હતું.
- પંદર મિનિટનું ઑપરેશન, જેમાં બગદાદીનો અંત આવ્યો
ટેમ્પ્લો મેયર મંદિર

ઇમેજ સ્રોત,VALLECILLOS/ALAMY
વીજળી કામદારોને 1978માં સંજોગવશાત એક વિશાળ મોનોલિથ શીલા મળી આવી હતી.
લગભગ પાંચ વર્ષ સુધી ચાલેલા ખોદકામ બાદ મેક્સિકોના ટેમ્પ્લો મંદિર(મહાન મંદિર)ની ભાળ મળી હતી.
નાહુઆત્લ ભાષા બોલતા મેક્સિકો ખીણના મૂળ રહેવાસીઓ એઝ્ટેક સામ્રાજ્યના શાસક પણ હતા અને તેમને મેક્સિકા કહેવામાં આવે છે.
આ શોધ અને મેક્સિકાની રાજધાનીના જૂના નકશા તથા દસ્તાવેજોના આધારે પુરાતત્ત્વવિદોએ ખોળી કાઢ્યું હતું કે આસપાસ અનેક પ્રાગૈતિહાસિક ઈમારતો દટાયેલી હોઈ શકે છે.
- ભારતીય સેનાનો દાવો પરંતુ હિમમાનવ અસ્તિત્વ ધરાવે છે?

ઇમેજ સ્રોત,REUTERS
તે કારણે આગળ વધુ ખોદકામ કરવાની પ્રેરણા મળી અને તેના પગલે મેક્સિકાના જીવન વિશે નવી માહિતી મળી રહી છે.
આજે મેક્સિકો સિટીની 2 કરોડ 10 લાખથી વધારે લોકોની વસતીમાંના ઘણા લોકો રોજ જૂના શહેરના એ અવશેષો પરથી પસાર થાય છે, જેનું ખોદકામ થવાનો ઇંતઝાર છે.
ગોળ સીડી પરથી નીચે ઊતરતી વખતે મેં મારો શ્વાસ રોકી રાખ્યો હતો. સૂર્ય દેવતાના ટોનાતીઉહ મંદિરને મેં ધારીને જોયું હતું.
ટોનાતીઉહ ‘પાંચમા સૂર્યના યુગ’માં ઈશ્વરીય શાસક હતા. એ યુગ ભૂકંપને કારણે નષ્ટ થશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
મેક્સિકો સિટીમાં ધરતીકંપની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં લેતાં એ વિચાર ગભરાવનારો હતો.
- ‘રામાયણ’ ટીવી સિરિયલ જેણે દેશમાં હિંદુત્વને નવી ઓળખ આપી
પવિત્ર જગ્યા

ઇમેજ સ્રોત,SUSANNAH RIGG
નજીકમાં પિએડ્રા ચાલચિહૂઈટલ ખડક સંપૂર્ણપણે સલામત છે. તેના પર કોતરવામાં આવેલાં ચિહ્નોનો અર્થ છેઃ ‘આ અમૂલ્ય અથવા પવિત્ર જગ્યા છે.’
ટેનોચ્ટિલનના અવશેષો શોધવા માટે અર્બન આર્કિયોલોજી પ્રોગ્રામ હેઠળ 500 ચોરસ મીટર વિસ્તારમાં 1991થી સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેનું નેતૃત્વ પુરાતત્ત્વવિદ્ રાઉલ બર્રેરા રોડ્રિગ્ઝ કરી રહ્યા છે.
આજે મેક્સિકો સિટી સેન્ટરમાં પાણીના પાઇપોનું સમારકામ કે જમીનની નીચે વીજળીના તાર બિછાવવાનું કામ મજૂરોએ કરવાનું હોય ત્યારે તેમણે રાષ્ટ્રીય માનવ વિજ્ઞાન તથા ઇતિહાસ સંસ્થાનને કાયદેસર જાણ કરવી પડે છે, જેથી તેમના કામ વખતે નજર રાખવા કોઈ પુરાતત્ત્વવિદ્ હાજર રહે.
1978માં શરૂ કરાયેલા અલ ટેમ્પ્લો મેયરના ખોદકામનું નિર્દેશન કરતા પુરાતત્ત્વવિદ્ ડોક્ટર એડુઆર્ડો માટોસ મોક્ટેજુમા કહે છે કે “કાયદો પુરાતત્ત્વને પ્રાધાન્ય આપે છે.”
આ કારણે મજૂરો માટે કામ કરવાનું મુશ્કેલ બની જાય છે, પણ પ્રાચીન કળાકૃતિઓ સલામત રહેશે તેની ધરપત રહે છે.
- ગુજરાતના આ વિસ્તારમાં જ્યારે આફિક્રનોનું સામ્રાજ્ય હતું
બલિઓની ખોપરીઓ

ઇમેજ સ્રોત,REUTERS
અહીં 35 મીટર લાંબી સ્કલ રેક છે. તેમાં લાકડાનાં ખાનાઓમાં બલિ પર ચડાવવામાં આવેલા લોકોની ખોપરીઓ પ્રદર્શિત કરવામાં આવતી હતી.
2017માં બે વર્ષ સુધીનું ખોદકામ પૂરું થયું ત્યારે અહીંથી લગભગ 700 ખોપરીઓ કાઢવામાં આવી હતી. એ ખોપરીઓને લાકડાનાં ખાનાઓમાં રાખવામાં આવી છે.
2017માં શહેરના ઐતિહાસિક કેન્દ્રમાંની એક હોટેલના સમારકામ દરમિયાન પુરાતત્ત્વવિદોને એક પ્રાચીન બોલ કોર્ટ મળી આવ્યો હતો.
મેક્સિકા લોકો આ કોર્ટમાં જ્યૂગો ડિ પેલોટા (બૉલ ગેમ) રમતી વખતે પોતાના નિતંબ વડે રબ્બરનો વજનદાર બોલ ફેંકતા હતા.

ઇમેજ સ્રોત,REUTERS
આ વર્ષની શરૂઆતમાં ટેમ્પ્લો મેયરના પગથિયાં પાસેથી બલિદાનની ઘણી ચીજો મળી આવી હતી. તેમાં એક છોકરાનું હાજપિંજર પણ હતું. એ છોકરાને યુદ્ધના દેવતા હ્યૂત્જિલોપોત્જ્લીની માફક તૈયાર કરવામાં આવ્યો હતો.
જગુઆરનાં હાડકાં, સમુદ્રી સીપ તથા પરવાળાના થર પણ મળ્યાં હતાં, જેનાથી પુરાતત્ત્વવિદોને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ હવે મેક્સિકા સમ્રાટ એહુત્જોટલની કબરની નજીક પહોંચી ગયા છે. એહુત્જોટલે 1486થી 1502 સુધી શાસન કર્યું હતું.
બર્રેરાને આશા છે કે જે ઈમારતો નીચેથી બોલ કોર્ટ અને ત્જોમ્પાંત્લી મળ્યાં છે તેના માલિકો સાથે કરાર થઈ જશે, જેથી ત્યાંથી મળેલા અવશેષોને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી શકાય.
2018ની શરૂઆતથી દરેક સોમવાર, મંગળવાર અને શુક્રવારે બપોરે બે વાગ્યે ચર્ચની નીચેનું મંદિર અને ત્યાંથી મળેલા અવશેષો દેખાડવામાં આવે છે.
આ ટૂરનું આયોજન ચર્ચના ગાઇડ કરે છે. તેનાથી ચર્ચ માટે નાણાં મળે છે અને મારા જેવા લોકોને મેક્સિકો સિટીની નીચેની ગુપ્ત દુનિયા વિશેની જાણકારી મળે છે.
- 20 વર્ષ પહેલાં ગુમ થયેલી વ્યક્તિને ગૂગલ મૅપ્સે શોધી કાઢી
આખા શહેરમાં ફેલાયેલા અવશેષો

ઇમેજ સ્રોત,REUTERS
મેસો અમેરિકન અવશેષ મેક્સિકો સિટીનાં કેટલાંક અસામાન્ય સ્થળોએ પણ મળી આવ્યા હતા.
દાખલા તરીકે મેટ્રો પિનો સુઆરેજ સ્ટેશન પર સબવે લાઇન બદલતી વખતે લોકો જે પિરામિડ નજીકથી પસાર થાય છે તે પિરામિડ વાયુના દેવતા ઇહેકૈટલને સમર્પિત છે.
ઐતિહાસિક કેન્દ્રથી લગભગ 4 કિલોમિટર દૂર ત્લાદેલોલ્કો વિસ્તારમાં એક અન્ય મેસો અમેરિકન સિટી સાઇટ છે.
અહીં શોપિંગ સેન્ટરના અન્ડરગ્રાઉન્ડ કાર પાર્કિંગમાંથી બહાર નીકળતી વખતે ઈહેકૈટલનો એક વધુ પિરામિડ જોઈ શકાય છે.
- હિમમાનવ ખરેખર હિમાલયમાં રહે છે?

ઇમેજ સ્રોત,CAVAN/ALAMY
સ્પેનિશ વિજેતાઓના શિલાલેખો અને ફ્રેંકિસન ભિક્ષુઓ તથા મેક્સિકાના લોકોએ લખેલા વિસ્તૃત વિવરણની મદદથી પુરાતત્ત્વવિદોએ શોધી કાઢ્યું છે કે મેક્સિકા મંદિરના અવશેષ ક્યાં-ક્યાં દટાયેલા હોઈ શકે છે.
સોળમી સદીના ભિક્ષુ બર્નાડિનો ડિ સહગુનના લેખનમાંથી કેટલીક મહત્ત્વની માહિતી મળે છે. તેમણે કેન્દ્રીય ટેનોચ્ટિલનમાં 78 મંદિરોનું વિવરણ આપ્યું છે.
બર્રેરા કહે છે કે “સહગુને લખ્યું છે તે આશ્ચર્યજનક છે, તેમણે કરેલા વર્ણનને કારણે એ બધું અમે પુરાતત્ત્વિક સ્તરે શોધી શક્યા છીએ.”
તમારા પગ નીચે શું દટાયેલું છે એ જાણતા હોવા છતાં મેક્સિકોની રાજધાની જેવાં શહેરમાં ખોદકામ કરવાનું આસાન નથી.
જમીનમાં ધસી રહેલું મહાનગર

ઇમેજ સ્રોત,KONSTANTIN KALISHKO/ALAMY
મેક્સિકા લોકોએ એક તળાવની વચ્ચે નાનકડા દ્વીપ પર તેમનું ભવ્ય નગરકેન્દ્ર બનાવ્યું હતું. બર્રેરા કહે છે કે શહેરના કેટલાક હિસ્સામાં જમીનથી માત્ર પાંચ મીટર નીચે પાણી છે.
આ જલભરાવવાળી માટીને કારણે સિટી સેન્ટરનો મોટો ભૂ-ભાગ દર વર્ષે પાંચથી સાત સેન્ટીમીટર નીચે ધસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો શહેરનો હિસ્સો વાર્ષિક 40 સેન્ટીમીટર નીચે જઈ રહ્યો છે.
કેટલીક આધુનિક ઈમારતો પ્રાચીન મેસો અમેરિકન સંરચના અનુસાર બની છે. તેને કારણે શહેરના તમામ હિસ્સા એકસમાન ગતિથી જમીનમાં ધસી રહ્યા નથી.
ઐતિહાસિક કેન્દ્રની આસપાસ લટાર મારીને નિહાળીએ તો સમજાય છે કે અનેક ઈમારતો અલગ-અલગ ખૂણેથી ઝૂકેલી છે.
માટોસે કહે છે કે “ચર્ચ જમીનમાં ધસવાનું અનેક વર્ષ પહેલાં શરૂ થઈ ગયું હતું. દિવાલો તૂટવા લાગી હતી, કારણ કે નીચેના હિસ્પેનિક કાળની સંરચનાઓ હતી.”
કોલોનિયલ સમયની ઇમારતો માટે આ પ્રકારની ઘટનાઓ વિનાશકારી અને પડકારભરી છે, પણ પુરાતત્ત્વવિદો માટે એ મદદગાર સાબિત થઈ શકે છે, કારણ કે આ કારણે, જ્યાં મેસો અમેરિકન અવશેષ હોય એ જગ્યાઓને ઓળખવામાં મદદ મળી શકે છે.
બર્રેરા કહે છે કે “એ ઇમારતોમાં પડેલી તિરાડો જોઈ શકાય છે અને એ તિરાડોનું પગેરું દબાવીએ તો કોઈ પિરામિડ મળી શકે છે.”
માટોસના જણાવ્યા મુજબ, પુરાતત્ત્વવિદોએ આ નાનકડી તિરાડોની મદદથી ખોદકામ કરીને એ તિરાડો માટે જવાબદાર ભૂમિગત સંરચનાઓને ખોળી કાઢી છે.

રડાર અને થ્રી-ડી ટૅક્નૉલૉજી

ઇમેજ સ્રોત,SUSANNAH RIGG
મેક્સિકો સિટી સેન્ટરની ગલીઓ અને બજારોની નીચે શું દટાયેલું છે તેની ભાળ મેળવવા માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડારનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
અલબત, બર્રેરા માને છે કે “ભૂ-ભૌતિક સ્કેનર મારફત મળેલી માહિતીની ખરાઈ માટે હજુ પણ પરંપરાગત ખોદકામ કરવું પડે છે.”
શહેરની નીચે ઇતિહાસના અનેક પાનાં દટાયેલાં પડ્યાં છે. સ્કેનર જેને પૂર્વ-હિસ્પેનિક કાળની સંરચના ગણાવી રહ્યું હોય એ ઉપનિવેશ કાળનો કોઈ અવશેષ હોય એવું બની શકે છે. તેથી એકમાત્ર વિકલ્પ ખોદકામ કરવાનો છે.
એક વ્યસ્ત શહેર જમીનમાં ધસી રહ્યું છે અને ત્યાં ધરતીકંપનું જોખમ પણ છે તેની જમીન ખોદવાનું કામ ફાલતુ ઝંઝટ છે, એવું કેટલાક લોકો માનતા હોય એ શક્ય છે.
માટોસ માને છે કે એ પ્રકારના લોકો પોતાના ઇતિહાસને નકારે છે. આધુનિક મેક્સિકો સિટી અને પુરાણા ટેનોચ્ટિલન વચ્ચે ઘણી સમાનતા છે એવું આખરે તો આ ખોદકામથી જ જાણવા મળ્યું છે.

નવું શહેર, જૂનો ઈતિહાસ

ઇમેજ સ્રોત,SUSANNAH RIGG
શહેરની અનેક ઈમારતોમાં આજે પણ એ કામ થાય છે, જે 700 વર્ષ પહેલાં થતાં હતાં. મેક્સિકા મંદિરની ઉપર સ્પેનિશ ચર્ચ છે.
મેક્સિકોના રાષ્ટ્રીય મહેલમાં હાલ વર્તમાન રાષ્ટ્રપતિ રહે છે. એ રાષ્ટ્રીય મહેલ મેક્સિકા સમ્રાટ મોક્ટેજુમા દ્વિતિયના મહેલના અવશેષો પર બનાવવામાં આવ્યો છે.
સમ્રાટ મોક્ટેજુમા દ્વિતિય સ્પેનના વિજય અભિયાનના પ્રારંભિક તબક્કામાં જ માર્યા ગયા હતા.
બર્રેરા કહે છે કે “રાષ્ટ્રીય મહેલ મોક્ટેજુમા દ્વિતિયથી માંડીને આજ સુધી શક્તિનું કેન્દ્ર બની રહ્યો છે એ મહત્ત્વની વાત છે. એ ઘણું પ્રતીકાત્મક છે.”
જે સ્થળે એક મેસો અમેરિકન સ્કૂલ હતી ત્યાં એક યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આજના આધુનિક જોકલોની જે ભૂમિકા છે એ જ ભૂમિકા મેક્સિકા સિટીના કેન્દ્રીય પ્લાઝાની હતી. બર્રેરા કહે છે કે “આપણા દૈનિક જીવનમાં મેક્સિકા આજે પણ મોજૂદ છે.”
1325માં સ્થપાયેલા એક શહેર અને આજના આધુનિક, વ્યસ્ત મહાનગર વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા છે એવી કલ્પના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી, પણ એક વાત નક્કી છે કે મેસો અમેરિકન દિલ આજે પણ આધુનિક મેક્સિકો સિટીની જમીન નીચે ધબકી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ divya gujarat24 ન્યૂઝ સાથે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ: FACEBOOK–DIVYA GUJARAT24
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ: YOUTUBE-DIVYA GUJARAT24
આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં: 8866766666